2022નું વર્ષ સાઉથ ઇન્ડિયન ફિલ્મો માટે સોનાની લગડી સમાન સાબિત થયું છે. જયારે તેની સામે બૉલીવુડની ઘણી ફિલ્મોને ભયંકર નુકશાનનો સામનો કરવો પડ્યો છે. બોયકોટ, ઢંગધડા વગરની સ્ટોરીલાઇન, બેકાર વીએફએક્સને કારણે આ વર્ષે બૉલીવુડની ફિલ્મોનું તળિયું મપાઇ ગયું છે.
વર્ષની શરૂઆતનમા જ કે.જી.એફ-2એ આવતાવેંત જ બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. પહેલા જ દિવસે એક્ટર યશની આ ફિલ્મે અધધધ 134.5 કરોડની કમાણી કરી લીધી હતી. તેનું લાઈફટાઈમ કલેક્શન જોઈએ તો તે 1227 કરોડને આંબી ગયું હતું.
પ્રશાંત નીલની આ ફિલ્મ કે.જી.એફ-1ની સિક્વલ છે. જ્યાંથી પહેલો ભાગ પૂરો થયો હતો ત્યારથી જ બીજો ભાગ ચાલુ થયો હતો. સોનાની ખાણના માફિયાઓ લઈને ફિલ્મની આખી વાર્તા ગૂંથવામાં આવી હતી. જેમાં આ ભાગમાં સરકારના હાથને પણ શામિલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ, વધુ એક સાઉથ ઇન્ડિયન ફિલ્મ RRRએ બોક્સઓફિસ પર સપાટો બોલાવ્યો હતો. જેને પહેલા જ દિવસે જ 132 કરોડ ઉપરની કમાણી કરી લીધી હતી અને તેનું લાઈફટાઈમ કલેક્શન 1125 કરોડ સુધી પહોંચી ગયું હતું. સાઉથ ઇન્ડિયન ફિલ્મના માંધાતા ફિલ્મ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ વર્ષ 1920ના ગુલામ ભારતની દાસ્તાન હતી. જેમાં બે શૂરવીર ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે બદલાની આગમાં બળવો પોકાર્યો હતો.
તે પછી, વિક્રમ, કંતારા,પોન્નીયિન સેલ્વન, પુષ્પા જેવી ધમાકેદાર ફિલ્મો આવી હતી. આ ફિલ્મોએ વર્લ્ડવાઈડ અનુક્રમે 414.43, 400, 480, 365 કરોડ જેટલી કમાણી કરી હતી. ભલે આ ફિલ્મોએ RRR અને કે.જી.એફ-2 જેટલી કમાણી ન કરી હોય પરંતુ તેની સ્ટોરી લાઈન ખૂબ જ તગડી હતી.
આ સાઉથ ઇન્ડિયન ફિલ્મોની સામે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બૉલીવુડની બિગ બજેટ ફિલ્મો ખાસ કશું જ ઉકાળી શકી નહોતી. જેમાં લાલસિંહ ચઢ્ઢા, શમશેરા, સમ્રાટ પૃથ્વીરાજ, બ્રહ્માસ્ત્ર અને રામસેતુ જેવી ફિલ્મો પાસે ખૂબ જ આશા હતી. પરંતુ આ ફિલ્મો બોક્સ ઑફિસ પર સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેટલો પ્રભાવ પાડવામાં નિષ્ફ્ળ ગઈ હતી.
રણવીર કપૂર સ્ટારર શમશેરા બોક્સ ઑફિસ પર ઊંધે માથે પછડાઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધી માત્ર 64 કરોડની કમાણી કરી હતી. જયારે બ્રહ્માસ્ત્ર ઠીક ઠીક ચાલી હતી પરંતુ સાઉથની એકેય ફિલ્મોને ટક્કર મારી શકે તેવી તો ન જ હતી. આ ફિલ્મે અત્યારે સુધી અંદાજે 287.92 કરોડ જેટલી કમાણી કરી રહી.
અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ અને રામસેતુ પણ લોકોની આશાઓ ઉપર ખરી ઉતરી નહોતી અને બોક્સ ઑફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. જેને અનુક્રમે 66 કરોડ અને 92.64 કરોડ જેટલું કમાઈ હતી. જયારે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા બોયકોટની આંધી વચ્ચે ફસાઈ ગઈ હતી અને અત્યાર સુધી માત્ર 130 કરોડ જેટલી કમાણી કરી શકી હતી.
આમ, 2022નું વર્ષ બૉલીવુડની હિન્દી ફિલ્મો માટે ભારે નુકશાનકારક સાબિત થયું હતું. જેમાં વાર્તા, VFX, એક્ટિંગ વગેરે જેવા અનેક કારણો જવાબદાર હતા