આજે, 13મી ડિસૅમ્બરે પાર્લામેન્ટ ઍટેકને 21 વર્ષ પુરા થયા. (13th Dec Parliament Attack) 2001ના વર્ષની એ 13મી ડિસૅમ્બર ભારતના પાર્લામેન્ટ માટે કાળો દિવસ સાબિત થઇ હતી. આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત કુખ્યાત આતંકવાદી સંગઠનો લશકર-એ-તોઇબા અને જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. પાર્લામેન્ટ પરના આ હુમલાએ બંને પાડોશી દેશોના સંબંધોમાં કડવાશ આણી દીધી હતી.
13મી ડિસૅમ્બર, 2001ના રોજ સવારે 11:40 આસપાસ લાલબત્તી અને ગૃહ મંત્રીના સ્ટીકર મારેલી એમ્બેસેડર કારમાં પાંચ આતંકવાદીઓ પાર્લામેન્ટ હાઉસમાં ઘુસ્યા હતા. ગાડી ગેટ નંબર 12 તરફ આગળ વધતી જતી હતી, એટલે પાર્લામેન્ટ હાઉસના વૉચ અને વોર્ડ સ્ટાફના એક મેમ્બરને દાળમાં કંઈક કાળું લાગ્યું.
તેઓએ ગાડીને પાછા ફરવા માટે મજબુર કરી, ત્યાં જ ગાડીમાં રહેલા આતંકવાદીઓ AK-47 અને ગ્રેનેડ લઈને ગાડીમાંથી બહાર નીકળીને ખુલ્લામાં આડેધડ ગોળીઓનો વરસાદ વરસાવવા લાગ્યા. તરત જ આલાર્મ વગાડીને બધાને એલર્ટ કરી દેવાયા અને પાર્લામેન્ટના દરવાજાઓ ટાપોટપ બંધ થવા લાગ્યા.
બંને બાજુએથી ગોળીઓનો વરસાદ લગભગ 30 મિનિટ સુધી ચાલતો રહ્યો અને પાર્લામેન્ટના આંગલામાં જ એ નપાવટ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. પરંતુ આ હુમલામાં આપણાં 10 એક જેટલા સરકારી માણસોની જાન ગઈ હતી. જેમાં દિલ્હી પોલીસના પાંચ સિક્યુરિટી જવાનો, CRPFની એક મહિલા કોન્સ્ટેબલ, પાર્લામેન્ટ વોચ અને વોર્ડ વિભાગના બે સિક્યુરિટીના માણસો, એક માળી અને એક પત્રકારનો સમાવેશ થતો હતો. તેમજ, 15 જેટલા લોકો ઘાયલ થયા હતા પરંતુ પાર્લામેન્ટમાં રહેલા 100 જેટલા મંત્રીઓ અને એમપીઓને ઊની આંચ પણ નહોતી આવવા દીધી.
દિલ્હી પોલીસ (Delhi Police) ખાતાએ એ જ દિવસે ફરિયાદ દાખલ કરી હતી. થોડાક દિવસોમાં પોલીસની આ સ્પેશિયલ સેલે ગાડીમાં આવેલા આતંકવાદીઓને જેણે મદદ કરી હતી તેમણે સેલફોનના ટ્રેક રેકોર્ડના સહારે પકડી પડ્યા હતા.
પકડી પાડેલ આરોપીઓમાં જમ્મુ કાશ્મીર(Jammu Kashmir) લિબરેશન ફ્રન્ટનો પૂર્વ આતંકવાદી મોહમ્મદ અફઝલ ગુરુ, તેનો પિતરાઈ શૌકત હુસૈન ગુરુ, તેની પત્ની અફસાન ગુરુ અને દિલ્હી યુનિવર્સીટી ભૂતપૂર્વ પ્રોફેસર ગિલાનીને તાબામાં લીધા હતા.
29 ડિસૅમ્બરે કોર્ટે અફસાન ગુરુને નિર્દોષ જાહેર કરીને છોડી દીધી હતી. જયારે ગિલાની, અફઝલ ગુરુ અને શૌકતને ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ 2003માં પુરાવાઓની કમીને કારણે છોડવો પડ્યો હતો, જે નિર્ણયને સુપ્રીમ કોર્ટે 2005માં માન્ય રાખ્યો હતો અને શૌકતને 10 વર્ષની જેલ કરવામાં આવી હતી. તેમજ અફઝલ ગુરુને આ ઘટનાના 11 વર્ષ પછી તિહાર જેલમાં ફાંસીએ દેવામાં આવ્યો હતો.