“તમે હવે ક્યારેય માતા નહિ બની શકો” જે ખૂબ પીડા આપતું વાક્ય છે. આ વાક્ય EctoLife આવતાની સાથે જ નાબૂદ થવા જઈ રહ્યું છે.
ગર્ભનું કેન્સર થાય એટલે કોથળી કઢાવવી પડે, અને તે સાથે જ સ્ત્રી બાળક પેદા કરવાની શક્તિ પણ ગુમાવી દેતી હોય છે.
ત્યારબાદ બાળક મેળવવાના ઘણા રસ્તા છે. જેમ કે દત્તક લેવું, સેરોગેટ મધર બનવું વગેરે. પરંતુ પોતાના લોહીનું બાળક એ તો લોહીનું બાળક કહેવાય ને.
તો EctoLife આવવાની સાથે જ આ સપનું સાકાર થઇ જશે. EctoLifeએ એક વિચાર છે, વૈજ્ઞાનિક અભિગમ સાથેની કલ્પના છે, જે ભવિષ્યમાં સાકાર થઇ શકે એમ છે.
EctoLifeએ બર્લિન સ્થિત વિજ્ઞાન કોમ્યુનીકેટર અને મોલેક્યુલર બાયોલોજીસ્ટ હાશિમ અલ-ગાયલીનો મગજની ઉપજ છે.
EctoLife શું છે?
EctoLife કૃત્રિમ ગર્ભની સુવિધા આપે છે. જે દુનિયાની સૌથી પહેલી એવી સુવિધા છે જે રિન્યુએબલ એનર્જી વડે કૃત્રિમ ગર્ભ થકી પોતાનું બાયોલોજીકલ બાળક પેદા કરવાની સુવિધા પુરી પાડે છે.
EctoLife કોન્સેપ્ટને લઈને કૃત્રિમ ગર્ભ થકી બાળક પેદા કરવા માટે 75 લેબ ડિઝાઇન કરવાનું વિચારી રહ્યા છે.
જેમાં દરેક લેબમાં 400 કૃત્રિમ ગર્ભ પોડ્સને મુકવામાં આવશે. આ દરેક પોડ્સ ગર્ભમાં રહેલા બાળકને માતાના ગર્ભ જેવું જ વાતાવરણ પૂરું પાડશે. આ પોડ્સ એવા મટીરીયલમાંથી બનાવવામાં આવશે જે બાળકને બહારના બેક્ટેરિયલ ઇન્ફેક્શનની દૂર રાખે.
EctoLifeના પોડ્સમાં સેન્સર રાખવામાં આવશે જે બાળકના ધબકારા, તાપમાન, બ્લડ પ્રેશર, ઓક્સિજનની પૂર્તિ વગેરેને મોનિટર કરી શકે. તેમજ, આર્ટીફીશિયલ ઇન્ટેલિજેન્સની મદદથી જો બાળકમાં શારીરિક ખામી જણાય તો મોનિટર સ્ક્રીન વડે તે રિપોર્ટ પણ કરશે.
આ મોનિટર સ્ક્રીન પોડ્સમાં ઉછરતાં બાળકનો રિયલ-ટાઈમ ડેટા પૂરો પાડે છે. આ ડેટા બાળકના બાયોલોજીકલ પેરેન્ટ્સને મોકલવામાં આવે છે જે બાળકના ડેવલપમેન્ટને ટ્રેક કરી શકે. તેમજ ઉછરતાં બાળકનો લાઈવ વિડિયો પણ જોઈ શકાય છે.
EctoLifeના એલિટ મોડના CRISPR-Cas 9 એડિટિંગ ટૂલ વડે પોતાના બાળકના લગભગ 300 જેટલા જીન્સમાં ફેરફાર કરી શકાય છે. જેમાં બાળકની આંખનો રંગ, વાળનો રંગ, ત્વચાનો રંગ, ઊંચાઈ અને બુદ્ધિમતામાં ફેરફાર લાવી શકાય છે. તેમજ વારસાગત રોગોનું નિવારણ પણ કૃત્રિમ પોડ્સમાં જ કરી શકાય છે.
આમ, EctoLife આવવાથી નવ મહિના બાળકને ગર્ભમાં સાચવી રાખવાની જવાબદારી, ડિલિવરી સમયની પાર વગરની પીડા, દત્તક બાળક મેળવવા ભોગવવી પડતી હાલાકી, સેરોગેસીની ઝંઝટથી મુક્તિ મળી જશે.