રવિવારે રમાયેલ ફિફા વર્લ્ડકપની આર્જેન્ટિના વર્સીસ ફ્રાન્સની ફાઇનલમાં બીજા હાફની શરૂઆતથી જ ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા.
પહેલા હાફની શરૂઆતથી જ આર્જેન્ટિનાએ તેની આક્રમક રમત દર્શાવી હતી અને ફ્રાન્સને ડિફેન્ડિંગ રમવા મજબુર કરી દીધું હતું.
મેચની 22મી મિનિટે ફ્રાન્સના ડેમ્બલે આર્જેન્ટિનાના એંજલ ડી મારીયોને પેનલ્ટી એરિયામાં ધક્કો માર્યો હતો અને આર્જેન્ટિનાને પેનલ્ટી કિક મળી હતી.
જો પેનલ્ટી કિક મળી હોય ને મેસ્સી તે મારવાનો હોય તો તો વાત જ પુરી. આમ, મેસ્સીએ પેનલ્ટીના આ મોકાને બંને હાથે ઝડપી લીધો હતો અને દનનન કરતો ગોલ ઝીંકી દીધો હતો.
ત્યારબાદ, મેચની 36મી મિનિટે મેસ્સીના શરૂઆતના દિવસોથી સાથે રહેલ ખેલાડી એંજલ ડી મારીઓએ બીજો ગોલ કરીને મેચને આર્જેન્ટિનાના પક્ષમાં ખેંચી લીધી હતી.
પરંતુ આ ફૂટબોલ છે જેમાં છેલ્લી મિનિટ સુધી કંઈ કહી શકાય નહીં. આર્જેન્ટિના પાસે મેસ્સી છે તો ફ્રાન્સ પાસે પણ મેસ્સીનીજ PSG ફૂટબોલ ક્લબનો સાથી એમ્બાપ્પે છે.
મેચની 79મી મિનિટ સુધી તો એવું લાગતું હતું કે આર્જેન્ટિના કોઈ પણ પરેશાની વગર વર્લ્ડ કપ ટ્રોફી ખેંચી જશે. પરંતુ ત્યારબાદ આર્જેન્ટિનાના ખેલાડીની ભૂલને કારણે કારણે ફ્રાન્સને પેનલ્ટી કિક મળી હતી. એમ્બાપ્પે તે પેનલ્ટી કિક લેતા મેચને 2-1 પર લાવી દીધી હતી. ત્યાર બાદ 100 સેકન્ડની અંદર અંદર તો એમ્બાપ્પે બીજો એક દનદનાતો ગોલ ઝીંકીને મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી હતી.
હવે મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. જેમાં મેસ્સીને મોકો મળતા એક ગોલ ઝીંક્યો હતો. તેમજ એમ્બાપ્પેને ફરીવાર પેનલ્ટી કિક મળતા ફરી તેણે ગોલ દાગીને મેચને 3-3 એ લાવી દીધો હતો.
ત્યારબાદ, મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી જેમાં ફ્રાન્સના એમ્બાપ્પે અને આર્જેન્ટિનાના મેસ્સી પહેલી પેનલ્ટી મારીને સ્કોર 1-1 પર કરી દીધો હતો. ત્યારબાદ ફ્રાન્સના કૉમેન અને ઓરેલન પેનલ્ટી ચુકી ગયા હતા. જ્યારે આર્જેન્ટિના સટાસટ ત્રણ પેનલ્ટી કિક મારી દીધી હતીને મેચ 4-2ના પેનલ્ટી સ્કોરથી જીતી લીધી હતી. આમ, આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ફરી ફિફા વર્લ્ડકપ ટ્રોફીનો સ્વાદ ચાખ્યો હતો.
ફાઇનલ બાદ એવોર્ડની વાત કરીએ તો ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેને ગોલ્ડન બુટનો એવોર્ડ મળ્યો હતો જ્યારે મેસ્સીને ગોલ્ડન બોલનો એવોર્ડનો મળ્યો હતો. અને આર્જેન્ટિનાના સ્ટાર ગોલકીપર એમિલિયાનો માર્ટીનેઝને ગોલ્ડન ગ્લોવ એવોર્ડ મળ્યો હતો.