હમણાં થોડા દિવસોથી જૈન સમાજનો વિરોધ સામે આવ્યો છે.
જેનું મુખ્ય કારણ છે
- શ્રી સમેત શિખરજીને પર્યટન સ્થળમાં ફેરવવાનો નિર્ણય
ઝારખંડ સરકારે જ્યારથી આ નિર્ણય લીધો છે, ત્યારથી જૈન સમાજ રોષે ભરાયો છે.
ઝારખંડ સરકારનો શ્રી સમેત શિખરજીને પ્રવાસન સ્થળમાં ફેરવવાના આ નિર્ણયની અસર દેશના મોટા મોટા શહેરોમાં થઇ હતી. રાજધાની દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં જૈન સમાજના વિરોધની આગની જ્વાળા પ્રસરી રહી હતી. અંગ્રેજી નવવર્ષ 1લી જાન્યુઆરીના રોજ જૈન સમાજે વિરોધના ભાગરૂપે રાષ્ટ્પ્રતિને પત્ર પણ લખ્યો હતો.
જૈન સમુદાયના હજારો સભ્યોએ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે વિરોધમાં બેનરો અને પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું હતું. જયારે મુંબઈમાં સ્થાનિક જૈન સમુદાયના લોકોએ દક્ષિણ મુંબઈના વીપી રોડથી ક્રાંતિ મેદાન સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ અમદાવાદના જૈન સમાજના લોકોએ પણ રેલી કાઢી હતી.
પ્રવાસ પર્યટન નીતિના ભાગરૂપે ઝારખંડ સરકારે ગયા વર્ષે મંદિરને ઔપચારિક રીતે પ્રવાસન સ્થળમાં ફેરવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેને લઈને જૈન સમાજના લોકોને એવું લાગ્યું હતું કે આ પવિત્ર મંદિરની પવિત્રતા જોખમમાં છે. અને ત્યારથી જ શ્રી સમેત શિખરજીને લઈને વિરોધ શરુ થયો છે. કારણ કે આ શિખરજી ખાતે પાર્શ્વનાથની પ્રતિમાની સામે જ આચાર્ય શાંતિસાગરે બ્રહ્મચર્ય વ્રત લીધું હતું.
- જેનું બીજું કારણ પાલીતાણાના મંદિરોમાં થયેલી તોડફોડ
આ વિરોધનું અન્ય કારણ પાલીતાણા મંદિરની તોડફોડ પણ છે. ડિસેમ્બર મહિનામાં એક CCTV ફૂટેજ સામે આવી હતી. જેમાં કેટલાક અસામાજિત તત્વો દ્વારા મંદિરના પગથિયાં અને થાંભલાની તોડફોડ કરી હતી.
જૈન સમાજના આક્રોશને લીધે ભાવનગર જિલ્લા પોલીસે સોમવારે નિવેદન આપ્યું હતું કે શેત્રુંજય પર્વત પર પોલીસ પ્રોટેક્શન વધારવામાં આવશે. જેના માટે તેઓ પવિત્ર ટેકરી પર પોલીસ પોસ્ટ ઉભી કરશે. આ નિર્ણય ભાવનગર જિલ્લાના IGP ગૌતમ પરમાર અને SP રવિન્દ્ર પટેલે લીધો હતો.
આજે સુરતમાં પણ ‘અસામાજિકતત્વો દ્વારા તીર્થસ્થાન પર આક્રમણ’, ‘સમેત શિખરજી અને શેત્રુંજયને તીર્થસ્થાન જાહેર કરો’ના નારા સાથે ત્રણ કિલોમીટર લાંબી જૈન સમાજ મહારેલી નીકળી છે અને પોતાનો આક્રોશ દર્શાવ્યો છે.