બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટ મિટિંગ યોજાઈ હતી. જેમાં ગ્રીન એનર્જી સ્ત્રોતના મેન્યુફેકરીંગ ક્ષેત્રે ભારતને વૈશ્વિક રીતે સબળ બનાવવા માટેની ચર્ચા વિચારણા થઇ હતી. જેને લઈને 19,744 કરોડ રૂપિયા ફાળવી નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને સરકારની મહોર લાગી ગઈ.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શું છે?
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ગ્રીન હાઇડ્રોજન મિશનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી દીધી છે. આ મિશનનો હેતુ દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં કાર્બનનું પ્રમાણ બને ત્યાં સુધી ઘટાડવું તેમજ 2070 સુધીમાં આ કાર્બન પ્રમાણને નેટ ઝીરો એમિશનમાં કન્વર્ટ કરવું એ છે. આ યોજનાથી 2030 સુધીમાં ઓછામાં ઓછા 5 મિલિટન ટન વાર્ષિક ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ક્ષમતા થઇ જશે. જેની સાથે 125 ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં પણ વધારો થશે.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનમાં વિવિધ ક્ષેત્રે થનારો ખર્ચ
ગ્રીન હાઇડ્રોજન મિશનના પ્રારંભિક ખર્ચ માટે 19,744 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાંથી રૂ. 17,490 કરોડ SIGHT (સ્ટ્રેટેજિક ફોર ઇન્ટરવેંશન ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝીશન) પ્રોગ્રામ માટે, રૂ. 1466 કરોડ ભવિષ્યના મુખ્ય પ્રોજેક્ટ્સ માટે, રૂ. 400 કરોડ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે, રૂ.388 કરોડ મિશનના અન્ય કૉમ્પોનન્ટ માટે ફાળવવામાં આવ્યા છે.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ફાયદાઓ
સરકારના જણાવ્યા અનુસાર, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન ઘણા ફાયદાઓ લઈને આવશે. જેમાં ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવના નિકાસની તકો, ઔદ્યોગિક ક્ષેત્રે અને એનર્જી ક્ષેત્રે કાર્બનનો ઓછામાં ઓછો ઉપયોગ, અશ્મિભૂત ઇંધણ અને ફીડસ્ટોક પરની નિર્ભરતા ઓછી થવી વગેરે જેવા ફાયદાઓ લાંબા ગાળે જોવા મળશે. તેમજ ટેક્નોલોજીનો જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ એનર્જી ક્ષેત્રે રોજગારીની તકો પણ ઉભી થશે. જેને લઈને, આ સેક્ટરમાં 6 લાખ જેટલી નોકરીઓ ઉભી થશે તેવું કેન્દ્ર સરકારે નિવેદન આપ્યું છે.
હાલમાં ભારતમાં ઘણી કંપનીઓ ગ્રીન એનર્જી ક્ષેત્રે કાર્યરત છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ડિયન ઓઇલ, રિન્યુ પાવર, એક્મે સોલાર, JSW એનર્જી જેવી કંપનીઓ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે કામ કરવા માટેના પ્લાન બનાવી રહી છે.