દિલ્હીમાં જયારે નવા વર્ષની ઉજાણી ચાલતી હતી ત્યારે કંઝાવાલા રોડ પર કારમાં જઈ રહેલા નબીરાઓએ એક 20 વર્ષની પોતાની સ્કૂટી પર જઈ રહેલી યુવતીને ટક્કર મારી હતી. જેના કારણે યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ 12 કિમી સુધી ઢસડાતી રહી હતી. આમ તે ખૂબ જ ભયાનક રીતે મૃત્યુ પામી હતી.
આ ઘટના પછી દિલ્હી પોલીસે આંખ આડા કાન કરતા રેસ-ડ્રાઇવિંગ જેવા હળવા ગુનાઓ હેઠળની કલમો લગાડી હતી. ત્યારબાદ વધતા દબાણને કારણે મહાપરાણે પોલીસે હત્યાની કલમ લગાડીને ફરિયાદ કરી હતી. હાલમાં પોલીસે આઈપીસી કલમ 279, આઈપીસી કલમ 304એ, આઈપીસી કલમ 304 અને 120બી હેઠળ ગુનો નોંધ્યો હતો. અકસ્માત સમયે દિપક ખન્ના ગાડી ચલાવી રહ્યો હતો અને તેમાં બેસેલો મનોજ મિત્તલ ભાજપનો કાર્યકર્તા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
31મી ડિસૅમ્બરે રાત્રે બે વાગ્યા આસપાસ આ ઘટના ઝોમેટોના ડિલિવરી બૉય વિકાસ મેહરાએ નજરો નજર જોઈ હતી. તેણે કારની નીચે યુવતીનું માથું ઢસડાતું જોયું હતું. આ ઘટના જોઈને તે પોલીસ સ્ટેશને ઘસી આવ્યો હતો. ત્યાં બહાર જ સેક્ટર-14 તરફથી આવતા પોલીસ પાસે તે દોડી આવ્યો હતો. જેણે વિકાસની વાતને ફગાવી દીધી હતી અને તેને નીકળી જવા કહ્યું હતું. વિકાસ મેહરા ઉપરાંત એક દૂધ વેચનાર ફેરિયાએ પણ આ ગોઝારી ઘટનાને સગી આંખે જોઈ હતી.
કંઝાવાલા કેસમાં પોલીસ દિવસે દિવસે નવા નવા ઘટસ્ફોટ સામે આવતા જાય છે. પહેલા એવું જણાવ્યું હતું કે યુવતીને 4 કિમી ઢસડી, ત્યારબાદ તે 12 કિમી ઘસડી એવું નિવેદન આવ્યું હતું. પછી પોલીસે એવો ખુલાસો કર્યો હતો કે સ્કૂટી પર મૃતક સાથે તેની બહેનપણી પણ હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટનાને લઈને કડક કાર્યવાહી કરવાના ઓર્ડર આપી દીધા છે. જેને લઈને કોર્ટે કથિત પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના અને મિથુનને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. તેમજ, અલગથી મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે અને ફોરેન્સિક પુરાવા એકઠા કરી રહી છે.