હાલમાં ગુજરાત સમ્રગ દેશમાં સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગનો કુલ 65 ટકા હિસ્સો ધરાવે છે. તે સાથે ટોચનું સ્થાન ધરાવે છે. જેમાં હજી વધારો થઇ શકે છે, કારણ કે નામચીન સોલાર મેન્યુફેક્ચરિંગની કંપની ગોલ્ડી સોલાર 2025 સુધીમાં ગુજરાતમાં વધુ 5000 કરોડનું રોકાણ કરવાનું પ્લાન કરી રહી છે. આ રોકાણ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ તરફનું હશે. હાલમાં, નવસારી અને પીપોદરામાં 2.5 ગીગાવોટ્ટ કેપેસીટીના સોલાર પ્લાન્ટ ધમધમે છે.
ગોલ્ડી સોલારના એમ.ડી ઈશ્વર ધોળકિયાના જણાવ્યા પ્રમાણે તેઓ 2.5 ગીગાવોટ્ટ કેપેસીટી વધારીને 6 ગીગાવોટ્ટ કેપેસીટીના પ્લાન્ટ સ્થાપવા માંગે છે. તેઓનું કહેવું છે કે તેઓ આ નિર્ણય રિન્યુએબલ એનર્જીમાં ટેક્નોલોજીના વધતા વ્યાપને જોઈને લઇ રહ્યા છે. તેઓએ આ સ્ટેટમેન્ટ HELOC પ્લસ એટલે કે ઓછા કાર્બન સાથે વધુ કાર્યક્ષમતા ધરાવતી હીટરોજંકશન ટેક્નોલોજીને લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું.
ધોળકિયાના જણાવ્યા પ્રમાણે, રિન્યુએબલ એનર્જીના આ વિસ્તરણમાં સોલાર કૉમ્પોનન્ટ જેવા કે એલ્યુમિનિયમ ફ્રેમ્સ, જંકશન બોક્સ, બેકશીટ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવશે. તે માટે તેઓ 2025 સુધીમાં 4,500 પ્રોફેશનલ્સની ભરતી કરવાનું લક્ષ્ય સાધી રહ્યા છે. જેમાંથી 25% કારીગરોની ભરતી લોકલ એરિયાના આદિવાસી સમૂહમાંથી કરવામાં આવશે. તેના માટે તેઓ ત્રણ મહિનાનો સ્કિલ ડેવલપમેન્ટનો સર્ટિફિકેશન કોર્સ બહાર પાડશે.
સમગ્ર દેશના પરિપ્રેક્ષ્યથી જોઈએ તો, છેલ્લા 8 વર્ષમાં સોલાર એનર્જીની ક્ષમતામાં 19.3 ગણો વધારો થયો છે. જેના માટે સ્થાપવામાં આવેલી સેન્ટ્રલ ઈલેક્ટ્રીસીટી ઓથોરિટી અનુસાર 2030 સુધીમાં 500 ગીગાવોટ્ટ જેટલી ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવાની તાકમાં છે. જેના માટે ઓછમાં ઓછું 2.44 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. જો આ લક્ષ્ય હાંસિલ કરી લેવામાં આવે તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતનો સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે ડંકો વાગશે.