દુનિયાના સૌથી શ્રેષ્ઠ ખાણામાં ભારત પાંચમાં નંબરે
બલ્ગેરિયાની વેબસાઈટ ટેસ્ટ એટલાસ દ્વારા દુનિયાભરના ખાણાને નંબર આપવામાં આવ્યા હતા. જે દર વર્ષે ‘વર્લ્ડ્સ બેસ્ટ ક્યુઝિન’ના એવોર્ડ સ્વરૂપે બહાર પાડવામાં આવે છે. આ યાદીમાં ભારત પાંચમાં નંબરે આવ્યું છે. વર્લ્ડ્સ બેસ્ટ ક્યુઝિન 2022ના એવોર્ડ્સમાં ભારતીય ભોજનને 5માંથી 4.54નું રેટિંગ મળ્યું હતું.
ટેસ્ટ એટલાસે જાહેર કરેલી યાદીમાં ગરમ-મસાલા, ઘી, કિમા, મલાઈ અને બટર ગાર્લિક નાનને સૌથી વધુ રેટિંગ મળ્યું હતું. આ રેટિંગ પ્રેક્ષકો આપે છે. જે વાનગીઓ, તેમાં વપરાયેલ વસ્તુઓ અને પીણાંને ધ્યાનમાં રાખીને રેટિંગ આપે છે.
વર્લ્ડ્સ બેસ્ટ ક્યુઝિન 2022 (World’s Best Cuisine 2022) માં ઇટાલિયન ખાણું સર્વશ્રેષ્ઠ જાહેર થયું હતું અને તેના પછી ગ્રીક, સ્પેનિશ અને જાપાનીઝ ખાણાંનો નંબર આવ્યો હતો.
આ સાથે જ દુનિયાભરની પરંપરાગત વાનગીઓને પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં તેઓએ વિશ્વભરની 100 પરંપરાગત વાનગીઓનું લિસ્ટ વેબસાઈટ પર જાહેર કર્યું હતું. અફસોસની વાત એ છે કે આ 100 વાનગીઓની લિસ્ટમાં ભારતની એકેય વાનગી ટોપ-10માં શામિલ થઇ શકી નહોતી. પરંતુ ભારતની પાંચ વાનગીઓનો આ 100 વાનગીઓના લિસ્ટમાં સમાવેશ થયો હતો.
જેમાં દિલ્લીની કાકે દા હોટેલનું શાહી પનીર 28માં સ્થાન પર આવ્યું હતું. જેને સૌથી વધુ 4.66નું રેટિંગ મળ્યું હતું. ત્યારપછી ઉત્તર ભારતની સૌથી પ્રખ્યાત વાનગી, ઇન્ડિયન હાર્ટલેન્ડના બટર ચિકનને 53મું અને દસ્તરખ્વાના લખનૌ કોરમાને 55મો નંબર મળ્યો હતો. તેમજ, વિન્ડાલૂ ઓફ વિનાઈટ ઈન ગોવા અને ITC કોહિનૂરની પ્રખ્યાત હૈદરાબાદી બિરિયાનીને 71મું સ્થાન મળ્યું હતું.
તેમજ, ટેસ્ટ એટલાસે તેની વેબસાઈટ પર ભારતની વિવિધ રેસ્ટોરાંના નામ પણ જાહેર કર્યા હતા. જેમાં મુંબઈની શ્રી ઠાકર ભોજનાલય, દિલ્લીની દમ પખ્ત, નવી દિલ્લીની બુખારા, બેંગ્લોરની કરાવલ્લી અને મવાલી ટિફિન રૂમ, ચેન્નાઇની અન્નલક્ષ્મી, ગુડગાંવની કોમોરીન, અને મેંગલોરની ગિરીમંજા રેસ્ટોરાંનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
દેશવિદેશની સર્વશ્રેષ્ઠ વાનગીઓ અને હોટેલોને જાણવા માટે બલ્ગેરિયાની ટેસ્ટ એટલાસ વેબસાઈટ બેસ્ટ છે. જે વાનગીઓને લગતી દરેક માહિતી પુરી પાડે છે.