શનિવારે, તારીખ 10 ડિસૅમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચિત્તાગોંગમાં વન-ડૅ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી.
જેમાં ઈશાન કિશન (Ishan Kishan) નામનું વાવાઝોડું બાંગ્લાદેશની ટીમને (Bangladesh Team) ઉડાવીને લઇ ગયું હતું. વિશ્વ ક્રિકેટમાં (Cricket) લગભગ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ખેલાડીઓ જ વન-ડૅ મેચમાં બેવડી સદી મારી છે.
વન-ડૅમાં (one Day match) સૌપ્રથમ બેવડી સદી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે મારી હતી. તે પછી ભારતના વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્માએ બેવડી સદી ઝીંકી છે. આ સૂચીમાં ઈશાન કિશનનું નામ પણ શામેલ થઇ ગયું છે, જે પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે અને શરૂઆતમાં જ ઝંઝાવાતી બેટિંગથી જાણીતો બન્યો છે.
બાંગ્લાદેશ સામે ઈશાન કિશને માત્ર 24 વર્ષની ઉંમરમાં 210 રન ઝીંકી દીધા હતા જે પણ 126 બોલમાં જ. આ સાથે જ તે વન-ડૅમાં સૌથી ઓછા બોલમાં બેવડી સદી મારનાર ખેલાડી બની ગયો છે.
મહેન્દ્ર સિંહ ધોની, એડમ ગિલક્રિસ્ટ અને રાહુલ દ્રવિડને પોતાના આદર્શ માનતો કિશન સાત વર્ષની ઉંમરથી જ ક્રિકેટર બનવાનું સપનું સેવતો હતો. હાલમાં તે ધોનીના રાજ્ય ઝારખંડ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. એટલે રાંચી એ ધોની પછી બીજો એક તાબડતોબ વિકેટકીપર બેટ્સમેન ભારતીય ક્રિકેટને આપ્યો છે.
210 રનની મેરેથોન ઇનિંગમાં ઈશાને ઢગલો એક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં પહેલા તો સૌથી ઓછા બોલમાં બેવડી સદી અને એ પણ સૌથી ઓછી ઉંમર એટલે કે 24 વર્ષ 145 દિવસમાં તેણે આ ઇતિહાસ પોતાના નામે કર્યો છે. વન-ડૅમાં બેવડી સદીએ પહોંચતા તેને માત્ર નવ ઇનિંગ્સ જ લીધી છે, જે સૌથી ઓછી છે.
ઈશાનની 210 રનની ઇનિંગમાં 24 ચોગ્ગા અને 10 છક્કાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે ભારત તરફથી બાંગ્લાદેશ સામે કોઈ ખેલાડી દ્વારા એક ઇનિંગમાં સૌથી વધુ છક્કા મારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. જે પહેલા સૌરવ ગાંગુલીના સાત છક્કાનો હતો.
સાથે સાથે ભારત તરફથથી બાંગ્લાદેશ સામે એક ઇનિંગમાં સૌથી વધુ રનનો તાજ પણ ઈશાને વીરેન્દ્ર સેહવાગનો 175 રનનો રેકોર્ડ તોડી પોતાના માથે પહેર્યો છે. તેમજ બાંગ્લાદેશ સામે એક ઇનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ ઈશાનના ખાતામાં જાય છે જે પહેલા શેન વોટ્સનના નામે હતો.