ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Assembly Election) તૈયારી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભાજપમાં વિવિધ આગેવાનો જોડાઈ રહ્યા છે.
એવામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત (Raj Shekhavat) આજ થી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે.
રાજ શેખાવતનું કહેવું છે કે, તેઓ રાજનીતિના માધ્યમથી લોકોની સેવા કરવા માંગે છે. કરણી સેનાના પરિવાર અને શુભચિંતકો સાથેના વિચાર-વિમર્શ પછી જ કેસરિયા કમળ સાથે જોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં જ દેવ દિવાળીના દિવસે પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારા એ નવા રાજનીતિક પક્ષ, વિજય પક્ષની ઘોષણા કરી હતી.
ત્યારે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત તેમની સાથે જોવા મળ્યા હતા. પરંતુ આજે તેઓ ભાજપ સાથે જોડાવા જઈ રહ્યા છે.
ભાજપમાં જોડાયા બાદ જમાલપુર ખાડિયા વિસ્તારમાં ભાજપ તરફથી રાજ શેખાવત પ્રચાર કરે તેવી શક્યતા માનવામાં આવી રહી છે. જમાલપુર ખાડિયા વિસ્તારમાં મારવાડી સમાજ અને ક્ષત્રિય સમાજમાં કરણી સેના રાજ શેખાવત પ્રભુત્વ ધરાવે છે.
ગાંધીનગરના શ્રી કમલમ ખાતે આજે રાજ શેખાવત નું વિધિવત બી.જે.પી સાથે જોડાણ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ નો વિકાસ રાષ્ટ્રના હિત માં થાય તેવા ઉદ્દેશ્ય સાથે આજે કરણી સેનાના પદાધિકારીઓ અને સમાજના આગેવાનો સાથે રાજ શેખાવત આગે કૂચ કરશે.