ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ભાજપમાં નારાજ ઉમેદવારોના રોષ હવે સામે આવવા લાગ્યા છે.
સૌ પ્રથમ વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને હવે પાદરા બેઠક પર દીનુમામા પણ મોવડીમંડળનાં નિર્ણયથી નારાજ છે.
આજે પોતાના સમર્થકો સાથે એક બેઠક યોજી તેમણે પત્રકાર પરિષદ યોજી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભાની ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી છે. પક્ષે તેમની ટિકિટ ભલે કાપી હોય પણ તેઓ અપક્ષ લડીને જીતી બતાવશે.
આ અગાઉ 2007માં પણ તેઓ અપક્ષ લડી જંગી બહુમતી સાથે જીતી ચૂક્યા છે. ત્યારબાદ તેમનો ભાજપમાં સમાવેશ થયો હતો. 2017ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સિંહ ઠાકોર સામે લગભગ 19000 વોટ થી હારી ચૂક્યા હતા.
આવા જ કોઈ હાલ કરજણ બેઠકના પણ છે. સતીશ નિશાળિયા 2017ની ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર અક્ષય પટેલ સામે લગભગ 3500 મતોથી હારી ગયા હતા. ત્યારબાદ અક્ષય પટેલને ભાજપમાં સમાવી લેવામાં આવ્યા હતા, અને બાય ઇલેક્શનમાં અક્ષય પટેલ ફરીથી ભાજપની ટીકીટ પર જીતી ગયા હતા. અક્ષય પટેલને ભાજપમાંથી આ ચૂંટણી જીતાડવાની જવાબદારી તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી હતી.
આ ચૂંટણીમાં સતીશ નિશાળિયાને પક્ષે ટિકિટ ન આપતા હવે તેઓ પણ અપક્ષ લડી લેવાના મૂડમાં છે.
આમ આ ત્રણેય બેઠક વાઘોડિયા, પાદરા અને કરજણ પર જો વિદ્રોહ થાય તો ભાજપને ભારે નુકશાન થવાની સંભાવના છે. પરંતુ ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમ આને જરૂરથી કંટ્રોલ કરી લેશે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.