તારીખ 5 ડિસેમ્બર ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂરું થયું, ત્યારે આપણા સમાજના ઘણા એવા લોકો સામે આવ્યા છે,જે પોતાની મતદાનની ફરજ પૂરી કરીને એક ઉદાહરણ પૂરું પાડે છે.
વડોદરાના સમા વિસ્તારમાં રહેતાં જીએસએફસી નીવૃત કર્મચારી જયંતીભાઈ પરમારને ૨જી ડિસેમ્બરે ખૂબ જ ગંભીર હાર્ટ અટેક આવ્યો હતો. તેમને ગાંધીનગર તેમના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. ત્રીજી તારીખે તેમની ખૂબ જ જરૂરી એવી સર્જરી થઇ હતી. છતાંય જયંતીભાઈ એ પોતાની વડોદરા જઇ મતદાન કરવાની ઈચ્છા પોતાની પુત્રવધૂને જણાવી. પરિવાર તરીકે તેમને ડોક્ટર પાસેથી રજા લીધી.જયંતીભાઈ અને તેમનો પરિવાર ગાંધીનગર થી વડોદરા આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે તેમની ગાડીનું પંચર પડ્યું હતું. છતાંય એ હાર માનીને ન બેસી જતા તેઓ મતદાન બંધ થવાની માત્ર પંદર મિનિટ પહેલાં જ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના મતદાન મથકે પહોંચ્યા અને પોતાનો કિંમતી મત નોંધાવ્યો હતો.
તેવા જ બીજા ઉદાહરણ છે જશુબેન રાણા, જે પ્રજ્ઞાચક્ષુ છે અને 84 વર્ષની ઉમરના છે. ભુતડીજાપામાં આવેલ જીવન સાધના સ્કૂલ ખાતેના મતદાન મથકે જશુબેન રાણાએ પોતાના પરિવારની સહાયતાથી મતદાન કર્યું હતું. જશુબેન સમાજના લોકો ને ઉદાહરણ આપે છે કે ‘મન હોય તો માંડવે જવાય’.
પોતાનો જીવ સાચવવો જેટલો જરૂરી છે તેટલું જ જરૂરી પોતાની દેશ માટેની ફરજ પણ છે. તેવું ઉદાહરણ પૂરું પાડતા વિજયભાઈ પવાર માત્ર ત્રણ દિવસ અગાઉ હાર્ટ અટેક આવવા છતાંય મતદાન કરવાની પોતાની ફરજ થી ચૂક્યા નહોતા. ૫૬ વર્ષીય વિજય પવાર માંજલપુર વિસ્તારમાં રહે છે તેમને મતદાન ના ત્રણ દિવસ અગાઉ જ હાર્ટ અટેક આવ્યો હતો અને તેમની બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છતાંય તેઓ મશીનોથી સજ્જ એમ્બ્યુલન્સમાં મેડિકલ સ્ટાફના સતત મોનિટરિંગ હેઠળ માંજલપુરની અંબે સ્કૂલ ખાતેના મતદાન મથકે પહોંચીને પોતાની મૂળભૂત ફરજ પુરી કરી હતી. વિજયભાઇ એ મતદાન કરીને લોકોને
મતદાનની કિંમત સમજાવી હતી.