સામાન્ય રીતે, ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં દર વર્ષે યોજાતું હોય છે. આ વખતે મિઝોરમ રાજ્યને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ઇવેન્ટના આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જેમાં મિઝોરમની રાજધાની આઈઝોલમાં આ ટુરિઝમ માર્ટ યોજાયો હતો. આ પહેલા કોહિમા, શિલોન્ગ, ગૌહાટી, તવાંગ, અગરતલા, ઇમ્ફાલ અને ગંગટોક આ ઇવેન્ટનું આયોજક રહી ચૂક્યું છે.
ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટનો મુખ્ય હેતુ G20માં ભારતના ટુરિઝમને પ્રદર્શિત કરવાનો છે. આવનારા ડિસેમ્બર મહિનાની 1લી તારીખે ભારત G20ના સભ્ય બનવા જઈ રહ્યું છે. તે પહેલાનું આવું ભવ્ય આયોજન ભારત માટે પ્રભાવિક સાબિત થશે.
તો શું હોય છે ઈન્ટરનેશલ ટુરિઝમ માર્ટમાં? આ માર્ટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની પ્રવાસન વ્યવસ્થા અને ક્ષમતા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનીયો, આયોજન સ્થળની આસપાસના જોવાલાયક સ્થળો અને આકર્ષણોની મુલાકાતો વગેરેનો સમાવેશ થાય છે.
જો ધંધાકીય બાબતે જોઈએ તો આ ઇવેન્ટમાં B2B મિટિંગોનો પણ સમાવેશ થાય છે. જેમાં દેશના અલગ અલગ પ્રદેશથી આવેલા વેપારીઓની ઉત્તર પૂર્વીય રાજ્યના ધંધાદારીઓ સાથે મુલાકાત થાય છે.
તેમજ, જે તે સહભાગી રાજ્યો છે તે રાજ્યોના પ્રવાસન ક્ષેત્ર અને ઉત્પાદનોને પ્રોત્સાહનો આપવા માટે હસ્તકલા અને હેન્ડલૂમની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવે છે.
ત્રણ દિવસ યોજાયેલ આ મેગા ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય પ્રવાસન સેક્રેટરી અરવિંદ સિંહ, મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથંગયા હાજર રહ્યા હતા.